પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



નોકર : (નમન કરીને) શ્રીમતી ! ભગવન્તે કહેવડાવ્યું છે કે સવારી ઊતરતાં મહારાજ રાણીસાહેબને મળીને તરત પાછા આવી દરબારમાં પધારવાના છે. તેથી ભગવન્તને દરબાર પહેલાં ઘેર આવી જવાનો વખત નહિ મળે; અને, ભગવન્તે આજ્ઞા કરી છે કે દરબાર વખતે રાણીસાહેબ પોતાની ઇચ્છા મુજબ દરબારમાં બેસશે અથવા તો રણવાસમાં રહેશે, પણ તે વેળા રાણી સાહેબ જ્યાં હોય ત્યાં આપ તથા કમલાબેન તેમની પાસે જઈ બેસશો.
સાવિત્રી : મહારાજે બહુ કૃપા કરી કે એ કાર્ય અમને સોંપ્યું.
વંજુલ : ભગવન્તે મને કંઇ સંદેશો કહેવડાવ્યો છે કે?
નોકર : ના ભૂદેવ, મને કંઇ કહ્યું નથી.
વંજુલ : ના કહ્યું હોય તોપણ મારે દરબારમાં જવું પડશે. મારા વિના તો દરબાર અધૂરો રહે.
[સર્વે જાય છે]
 
અંક પાંચમો

પ્રવેશ ૨ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનું પ્રથમ વર્ણવ્યા પ્રમાણે શણગારેલું અને દીવાની રોશનીવાળું શયનગૃહ.

[રાણી લીલાવતી સુશોભિત વસ્ત્રાલંકારથી સજ્જિત થઈ ઊભેલી પ્રવેશ કરે છે. પછી રાઈ સવારીવાળે પર્વતરાયણે વેશે પ્રવેશ કરે છે, અને થોડી ક્ષણ બોલ્યા વિના ઊભો રહે છે.]

રાઈ : (બેઠેલે સાદે) દેવી કુશલ છો?
લીલાવતી : (ઓવારણાં લઈને) મહારાજ ! દરબારમાં જતાં પહેલાં અહીં આવવાની મારી યાચના આપે સ્વીકારી તે બહુ કૃપા કરી, અને મારે વાગરા કહ્યે મહેલમાં દર્પણો મૂકવાની રજા કહેવડાવી તેથી આપે મારા હ્રદયનો મંત્ર જાણી લીધો એ જોઈ હું ઉલ્લાસવન્ત થઈ. પરંતુ, આપ પધારો ત્યારે મારે એ દ્વારમાં ઊભાં ના રહેવું અને અન્દર ઊભાં
અંક પાંચમો
૧૦૩