પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રહેવું એવી કઠણ આજ્ઞા આપે મોકલી ને હું કુશલ ક્યાંથી હોઉં !
રાઈ : બારણું સાંકડું ને ક્ષોભનો પ્રસંગ તેથી...
લીલાવતી : (નીચું જોઈને) તેથી શો વિશેષ લાભ
રાઈ : રાણી....
લીલાવતી : (ગળગળી થઈને) હજી ‘રાણી’ ને ‘દેવી’ ને આ બધું અન્તર ! છ છ માસના વિરહના આભ્યાસમાં આપે મારે માટે એક પ્રેમવચન પણ ઘડી રાખ્યું નથી ? આપ આમ સ્તબ્ધ કેમ ઊભા છો ? મારી પરીક્ષા કરવી ધારી છે ? મારે તે પરીક્ષા શી? હું તો સ્ત્રી છું, અધીરી છું, અને અધીરી સ્ત્રી આખરે પહેલ કરે જ. આપ બોલતા કેમ નથી ? મારો શો અપરાધ થયો છે?
રાઈ : તમારો કાંઇ અપરાધ નથી, પણ હું સહસ્ત્રધા અપરાધી છું.
લીલાવતી : એવાં નર્મવચનો જવા દો. એથી હું ભય પામું છું.
રાઈ : એ નર્મવચનો નથી, ખરી હકીકત છે. હું મારા અપરાધ ગણાવીશ એટલે ખાતરી થશે.
લીલાવતી : મારે એવી ગણાતરીને શું કરવી છે? હું તો આપના અનુગ્રહોની ગણતરી કરવા ઉત્સુક છું.
રાઈ : અનુગ્રહો કરવાનો મારો અધિકાર નથી.
લીલાવતી :

આ દર્પણો પ્રતિબિમ્બ લે સહુ જાડા ચરાચર વસ્તુનાં,
જો તેમ આ હ્રદયની મુદ્રા ગ્રહે નિજ અન્તરે;
તો દાખવું હું ચાલતો અધિકાર કેવળ આપનો,
પ્રત્યેક તેના બિન્દુમાં-પ્રત્યેક તેના રંધ્રમાં. ૬૦

હવે વધારે ન ટળવળાવો, પ્રાણનાથ !

૧૦૪
રાઈનો પર્વત