પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



કેવું કરમાઈ ગયું છે! અંગોના સ્પર્શમાં શી કોમલતા છે ! દેહલતાનું શું લાવણ્ય છે! ગૌર વર્ણની શી ઉજ્જવલતા છે ! અને, અહો ! કેવી સ્થિતિ !

જેવી કો મણીમાલ નિર્જન વને સ્વામી વિનાની પડી,
ઊંચાં રત્નની તોય મૂલ્ય વિણની ઝાંખી અટૂલી થઈ;
ચૈતન્યેથી વિહીન તોય પશુઓ જેને તજે ભિતીથી,
તેવી આ યુવતી અહીં પડિ અને – બીતો હું પાછો હઠું! ૬૧

પણ, મને બીક શાની ! મારા પગ કેમ ધ્રૂજે છે ? શું હું જંગલનું પશુ છું ? શું સૌન્દર્ય જોઈ હું બીઉમ છું ? આ સૌન્દર્યના સંમુખ મારે થવાનું છે એ જાણીને જ હું અહીં આવ્યો છું. પર્વતરાયના મૃત્યુની ખબર લઈ જનાર બીજું કોઈ હશે તો તે લીલાવતીને અનિવાર્ય આઘાત કરી બેસશે, અને મારા આવ્યા પહેલાં આવેલી એવી ખબરથી રાજ્યની લગામ કોઈના પણ હાથમાં રહેવી મુશ્કેલ થઈ પડશે, એમ વિચારી મેં જાતે આ વાત પ્રગટ કરવાનું માથે લીધું, અને, હવે મને વિહ્વલતા કેમ થાય છે? આ સૌન્દર્ય ચન્દ્રિકામાં શું મારા સંકલ્પતારકો ઝાંખા થઈ ગયા ? ‘આપજો બાળ એહવું’ – એ કયા શ્લોકની લીટી મને અત્યારે યાદ આવી ? કાવ્યો મુખપાઠે કરવાથી ગમે ત્યારે સ્મૃતિમાં ઊપડી આવે છે. અરે ! ના, એ તો તે પ્રસંગની મારી પ્રાર્થાનાનું ચરણ છે ! એ બળનો પ્રવેશ કેવો પ્રિયંકર છે ! હવે અમરા સંકલ્પ ઉદ્દીપ્ત થયા અને સબળ થયા, સૌન્દર્ય એ તો પ્રભુની વિભૂતિ છે. એમાં ભયકારક શું છે ? સૌન્દર્યનો આનન્દથી, પવિત્રતાથી કે શક્તિથી વિરોધ શા માટે થવા દેવો જોઇએ ? અરે ! મારી મોહવશતામાં હું આને મૂર્છામાંથી જાગ્રત કરવાનું પણ
૧૦૬
રાઈનો પર્વત