આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
| લીલાવતી : | તું એવા અપશબ્દ બોલનાર કોણ ? |
| જાલકા : | તું મને તુંકારો કરનાર કોણ? હું પણ રાજાની રાણી છું. તારી નાની ઉમર જાણી ક્યારની સાંખી રહી છું. |
| લીલાવતી : | મારી નાની ઉમરની તેં બહુ દયા ખાધી છે. હવે વધારે દયા ન ખાઈશ, પણ તારા પર દયા કરીને કહું છું કે તારે જીવતા રહેવું હોય તો આ મુલકમાંથી ચાલી જા. |
| જાલકા : | મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું રાજમાતા થઈશ ત્યારે મારી મહેરબાની માગવાનો તારે વખત આવશે, તે યાદ રાખજે. |
| લીલાવતી : | ભૂખે અને તરસે મારો પ્રાણ જશે, પણ હું તારી મહેરબાની માગવાની નથી એ વિશે નિશ્ચિંત રહેજે. તારો પુત્ર રાજા થશે કે કેમ એ હું જાણતી નથી. પણ, તું તો રાણી મટી માલણ થઈ છે તે મરતા સુધી માલણ જ રહેવાની છે. મારું હૈયું તેં ભાંગ્યું છે તેવું તારું હૈયું પણ ભાંગજો.
[જાલકા ચકરી ખાઈ ભોંય પર પડે છે.] |
| કમલા : | અહો ! ગઢ તૂટી પડ્યો! |
| સાવિત્રી : | કમલા ! તું અને મંજરી એનું આશ્વાસન કરીને એને બહાર લઈ જાઓ, અને કોઈ જોડે ઘેર મોકલાવો.
[કમલા અને મંજરી જાલકાને પવન નાંખી ઊભી કરીને લઈ જાય છે.] |
| લીલાવતી : | મેં એને કેવી ડામી ! |
| સાવિત્રી : | રાણી સાહેબ !
(અનુષ્ટુપ) શાપ એ છે અનાચાર, શાપ દેવો ન કોઈને; |
| લીલાવતી : | એને શાપ ઘટતો નથી? |
| સાવિત્રી : | એ મનુષ્યના અધિકારની વાત નથી. |
૧૧૦
રાઈનો પર્વત