પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અંક છઠ્ઠો
પ્રવેશ ૧ લો
સ્થળ : રંગિણી નદીનો કિનારો.
[ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]
 
જગદીપ : આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.

(વસંતતિલકા)

ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત
એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!
જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!
ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫

અંક છઠ્ઠો
૧૧૫