લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વીણાવતી : આપણે શી રીતે બચ્યાં ?
લેખા : હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.
[વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]
 
વીણાવતી : લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.
[નોકરો પ્રવેશ કરે છે.]
 
લેખા : (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.
[નોકરો જાય છે.]
 
લેખા : (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.
વીણાવતી : લેખા ! એમ અસભ્ય થવાય ?
લેખા : ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?
વીણાવતી : એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?
જગદીપ : આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.
લેખા : એ કેવળ અશક્ય છે.
[નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]
 
લેખા : (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.

[વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]

જાગદીપ : (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી
૧૧૮
રાઈનો પર્વત