પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બધી ગોઠવણ પૂરી કરું. સૂકા ઝાડનો લીલો છોડ થઈ ગયેલો હું બતાવું એટલે મારા મનોરથની સિદ્ધિ શરૂ થઈ.
[કાળા પડદા પાછળ જાય છે.]
 


પ્રવેશ ૨ જો

સ્થળ : કિસલવાડી

[ખભે તીરનું ભાથું અને કામઠું લઈ પથ્થર પર બેઠેલો રાઈ પ્રવેશ કરે છે. ]
રાઈ : રાત્રિ ! તારા અંધકાર કરતાં વધારે ઘેરાં આવરણ મારા જીવનની આસપાસા ફરી વળેલાં છે. હું કોણ છું, જાલકા કોણ છે, જાલકા પાસે દ્રવ્યસાધન છતાં શા માટે તે નગરમાં ફૂલ વેચવા જાય છે, મારે વાંચવા માટે પુસ્તકો શા માટે લઈ આવે છે, મારા ધનુર્વિદ્યાના શોખને શા માટે ઉત્તેજન આપે છે, મારે ચઢવા સારુ ઘોડા શામાટે આણી આપે છે, અને તે છતાં, મને માળીને વેષે શા માટે રાખે છે, અને વળી, હું તેની ઈચ્છાને શા માટે અનુસરું છું : એ સરવા આ અંધકારથી પણ વધારે અગમ્ય છે. (ઊભો થઈને) પરન્તુ માણસના જીવનમાં કયે સ્થળે અગમ્યતા સામી આવીને ઊભી રહેતી નથી.

આત્મા શોણીતા માંસ અસ્થિની ગુફા અંધારી તેમાં પૂર્યો,
ઉત્સાહી અભિલાષ, દુર્લભ ઘણા સંસાર તેથી ભર્યો;
રોકાયો પુરુષાર્થ કારણ અને કાર્યોતણી બેડિથી,
ઘેરાઈ સઘળે અગમ્ય ઘટના સંકલ્પ થંભાવતી. ૪


(થોડું ચાલીને) અને વળી, જાલકાએ સૂકાઈ ગયેલા ઝાડને લીલું કરવાનો આ મિથ્યા પ્રયત્ન શા માટે આદર્યો
રાઈનો પર્વત