પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



નદીતટે હશો એમ કલ્પના કરી નદીને માર્ગે ભ્રમણ કરતો હું અહીં આવી પહોંચ્યો. તમે એ શિવાલયની પડાળીમાં વાસ કરવાને બદલે નગરમાં આવો તો કેમ ? ત્યાંથી વખતોવખત અહીં આવી શકાશે.
જગદીપ : પંદર દિવસ તો હું નગરથી દૂર જ રહેવા ઇચ્છું છું. તે વિના મારી પ્રતિજ્ઞા પ્રમાણે તટસ્થતા પળાય નહિ.
દુર્ગેશ : હું નગરમાં જઈ કમલાને તમારા સમાચાર કહીને તથા નગરની ખબરો મેળવી અહીં પાછો આવીશ અને તમારા એકાન્તવાસની સગવડનાં કાંઈ સાધન લેતો આવીશ, અને આવીને તમારો અભિલાષ વિશેષ સિદ્ધિ પામેલો જોઈશ.
જગદીપ : એ સિદ્ધિનો આધાર પેલી ગાયને ગળે છે. એ ચરતી હશે ત્યાં જ હું જાઉં છું. કમલાદેવીને કહેજો કે એમને સહિયર આણી આપવા સારુ મેં ગાયની પૂજાનું વ્રત આરંભેલું છે.
[બંને જાય છે.]
 

પ્રવેશ ૩ જો

સ્થળ : વીણાવતીના મહેલની વાડી માંહેની ભૂમિ.

[કોટની પાસે અંદરની બાજુએ પીપળાના ઝાડ આગળ ઊભેલી વીણાવતી પ્રવેશ કરે છે.]

વીણાવતી : હજી કેમ આવ્યા નહિ ? આવશે ખરા કે નહિ ? આટલી મોડી રાત્રે આ પીપળા ઉપરથી ચઢી ઊતરીને અહીં આવવા મેં એમને બોલાવ્યા, પણ એટલું બધું સાહસ એ કરશે ? ગાયની કોડીમાં મારા પત્રનીચે તો લખી મોકલ્યું હતું કે ગમે તેમ કરીને પણ આવીશ, પણ એવું શું છે કે મને મળવા સારુ ગમે તેમ કરીને આવે ? ત્યારે , એવું શું છે કે એમને મળવા સારુ હું પરિજનોને
૧૨૬
રાઈનો પર્વત