પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જગદીપ : તમે રાજપુત્રી ! કયા રાજાનું આંગણું આવાં અણમૂલ પગલાંથી ધન્ય થયું છે?
વીણાવતી : પિતાના આંગણે મારો સંચાર હોત તો આ પ્રશ્ન ઉત્પન્ન જ ન થાત, પરંતુ મહારાજ પર્વતરાયને પોતાની પુત્રીને દૂરના એકાન્તમાં પૂરી રાખવી ગમે છે.
જગદીપ : તમે પર્વતરાયનાં પુત્રી ! તેમના કુંવરી તો ગત થયાં છે, એમ લોકો જાણે છે !
વીણાવતી : મારી આસપાસ આ કોટ ઉપરાંત ભેદના બીજા શા શા પડદા વીંટાળેલા છે તે હું જાણતી નથી, પણ હું પર્વતરાયની પુત્રી વીણાવતી છું અને હજી ગત થઈ નથી એટલું તો જાણું છું.
જગદીપ : અહો ! પ્રેમ ! તને કેવાં તોફાન સૂઝે છે ! ક્યાં પર્વતરાયની વીણાવતી અને ક્યાં રત્નદેવીનો પુત્ર જગદીપ !
વીણાવતી : તમે રત્નદીપદેવીના પુત્ર ! તમે અહીં શી રીતે ?
જગદીપ : એ અપરાધનો વૃત્તાન્ત વર્ણવીશ ત્યારે તમે આર્પેલો પ્રેમપ્રસાદ રાખવાનો મારો અધિકાર નહિ રહે.
વીણાવતી :

આ વાડિમાં વિવિધ જે કુસુમો ઉગે છે.
દે છે સુગંધ, પણ, તે નહિ પાછી લે છે;
ને કહાડતાં મધુર જે રવ પક્ષિ આંહી,
લેતાં ન ખેંચિ ફરિ તે નિજ કંઠ માંહી. ૭૮

જગદીપ : પ્રિયા ! તું એ કુસુમો અને પક્ષીઓ સાથે ઊછરી છે, અને તેમના જ વર્ગની છે. તેની પેઠે તારું પ્રમદાન પણ અલોપ્ય છે. તે હું જાણું છું. પરમ્તુ, તારા પ્રતિ થયેલો મારો અપરાધ હું ગુપ્ત રાખી તારું પ્રેમદાન અકુંઠિત થવા દઉં એ ન્યાય નથી.
અંક છઠ્ઠો
૧૨૯