પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વીણાવતી : જેના ગુણને હું પૂજું છું તેના અપરધ જાણવાને મને શી જિજ્ઞાસા હોય?
જગદીપ : (જમીન તરફ જોઇને) અરે, આ મારા પગ સાથે શું અથડાયું ? (વાંકો વળી જમીન પરથી વસ્તુ હાથમાં લઇ) માછલીના કાંટા જેવું જણાય છે ! અને, એમાં રેશમી દોરી પરોવેલી છે!
વીણાવતી : એ કાંટો મારા કંઠમાં બાંધ્યો હતો, તે છૂટીને પડી ગયો. એ જાળવી રાખવાનો છે.
જગદીપ : એવું એનું શું મૂલ્ય છે ?
વીણાવતી : એ અમૂલ્ય છે. જે મગરમચ્છે જીવતાં આપણો પ્રથમ મેળાપ કરાવ્યો, અને પોતે મુવા પછી પણ આપણે ફરી મેળાપ કરાવ્યો તેના અંગમાંનો એ કાંટો છે.
જગદીપ : એમ છે તો તેની બહુ આદરથી રક્ષા કરવી જોઈએ. પરંતુ મગરમચ્છે શી રીતે એ ધન્ય કાર્ય કર્યું?
વીણાવતી : સમુદ્રમાં ભરતી સાથે મગરમચ્છ નદીમાં ચાલ્યો આવેલો, અને નદીના પટ ઉપરનો પેલો ઝૂલતોઝાંપો તોડીને તે વાડીની હદમાં પેઠેલો. મારી હોડી નીચે તેનું અંગ આવતાં હોડી ઉંધી વળેલી. ઝાંપાના ભાલા વાગવાથી તેનું મૃત્યુ થયેલું અને ભરતી ઊતરી જતાં તેનું શબ પાછું તણાઈ વાડી બહાર આવીને કિનારે પડેલું. ત્યાં બીજે દિવસે જઈ તેના અંગમાંથી હું આ કાંટો સ્મારકચિહ્ન માટે લઈ આવી છું.એના દેહને મેં ત્યાં જ અગ્નિ દાહ કરાવ્યો છે.
જગદીપ : એની સેવા અતુલ છે.

પ્રેમસ્ફુલિંગે લાવેલો વડવાનલમઆંથિ એ,
રોપવા આપણી માંહે તોડિયા જડ બન્ધનો. ૭૯

૧૩૦
રાઈનો પર્વત