પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એણે ઝાંપો તોડ્યો ન હોત તો આ બંધ વાડીમાં મારો પગ સંચાર ક્યાંથી થાત? અને, એણે હોડી ઉથલાવી પાડી આ વાડીમાંની અપ્સરાને મારી તરફ જલમાર્ગે પ્રેરિત કરી ન હોત તો હું એ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ ક્યાંથી કરત ? આ કાર્યમાં એના જીવનનું બલિદાન થયા પછી એનું શબ જ્યાં આપણા પુનઃ સમાગમનું નિમિત્ત થઈ ભસ્મીભૂત થયું છે ત્યાં આપણે સ્મરણસ્તંભ ઊભો કરીશું અને તે ઉપર લેખ કોતરાવીશું કે,

હળવા ભરજો પગલાં અહિઆં,
કચરાતિ રખે રજ આ સ્થળની.
ભરિ ભસ્મ અલૌકિક એ રજમાં,
વડગાગ્નિકણે જહિં પેમ સ્ફુરે. ૮૦

પરંતુ પ્રેમથી અમૂલ્ય કીર્તિ સૌંદર્ય સાથેના યોગમાં રહેલી છે. માટે એ પ્રેમદૂતના આ અવશેષોને આ ગૌર કંઠ ઉપર આપેલી ધન્ય પદવીએ તેને ફરી સ્થાપિત કરવોજોઈએ.

[જગદીપ મગરમચ્છનો કાંટો વીણાવતીને કંઠે બાંધે છે. તેમ કરતાં વીણાવતીના કંઠ પર જગદીપના હાથ રહેલા છે. તે વેળા બંનેની આંખો સામસામી મળે છે. અને તેવી સ્થિતિમાં તેઓ ક્ષણભર ઊભા રહે છે.]

વીણાવતી : વહાલા ! તું મારી આંખોમાં શું જોઈ રહ્યો છે?
જગદીપ : પ્રિયતમ વીણા ! મેં આજ સુધી જે દીઠું નથી તે અત્યારે તારી આંખોમાં જોઉં છું.

સીમા અભેદ્ય નડતી મુજને બધે જ;
તે ચક્ષુ આ તુજ મહીં થતિ લુપ્ત દેખું,
નિસ્સીમ દર્શન થતું તુજ ચક્ષુમાં જે,
તેથી અગમ્ય ઘટના થતિ આજ ગમ્ય. ૮૧

અંક છઠ્ઠો
૧૩૧