પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ઘેરો અગમ્યતાનો જે દશે દિશ ફરી વળ્યો,
ખસી જતો નિહાળું આ પ્રેમાર્દ્ર નયનો મહીં. ૮૨

વીણાવતી : મારી આંખો મારા દિલદારને કોઈ પણ રીતે કામ આવતી હોય તો તે કાઢીને આપી દેવા તૈયાર છું.
જગદીપ : મારે તો આખી વીણા જોઈએ છે. એના કયા અંગની કિંમત વધારે કરું અને કયા અંગની કિંમત ઓછી કરું ?
વીણાવતી : (ઊંચે જોઈને) આ ચન્દ્રને આજે જંપ નથી. ઝાડ પરથી નીકળી આવીને એણે છાયાનું આવરણ આપણા પરથી ખસેડી લીધું છે. આપને બીજા કોઈ ઝાડની છાયાનો આશ્રય લઈએ કે જ્યાં મહેલમાંથી દૃષ્ટિગોચર ન થવાય.
જગદીપ : પ્રેમપ્રતિજ્ઞાથી પાવન થયેલું આ સ્થળ છોડતાં પહેલાં અહીં તારી સુકોમલ અંગુલીએ મુદ્રા ધારન કરાવવી ઘટે છે. મારી પાસે આ વેળા સુવર્ણ પણ નથી અને રત્ન પણ નથી, પરંતુ પ્રેમરસની અમૂર્ત મુદ્રાથી તારી અંગુલી અંકિત કરવાની અનુજ્ઞા માંગુ છું.

[વીણાવતી પોતાનો જમણો હાથ લાંબો કરી આંગળીઓ ધરે છે. જગદીપ ઘૂટણીયે પડી વીણાવતીની અંગુલી પર ચુંબન કરે છે.]

જગદીપ : (ઊભો થઈને) સ્વર્ગમાં અમૃતનો આસ્વાદ છે એની મને હવે પ્રતીતિ થઈ. હવે પેલા ઝાડની છાયામાં જઈ પ્રભાત આપણો વિયોગ કરાવે તે પહેલાં હું મારું વૃતાન્ત નિવેદન કરી મારા હ્રદય પર રહેલો ભાર હલકો કરું.
[બન્ને જાય છે.]
 

પ્રવેશ ૪ થો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી આસને બેઠેલી પ્રવેશ કરે છે. લેખા બારણા પાછળ સંતાઈને ઊભી છે.]

વીણાવતી : (સ્વાગત) આ અવનવો અનુભવ કઈ ઇન્દ્રિયનો છે?
૧૩૨
રાઈનો પર્વત