પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
છે? જેનું જીવનબળ ગયું તેનો ફરી વિકાસ થયો કદી સાંભળ્યો છે?

પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં,
ભાગ્યાં હૈયાં ફરિ નથી થતાં કોઈ કાળે રસીલાં;
પામે વૃદ્ધિ ક્ષય પછી શશી, - પ્રાણિનું એ ન ભાવી,
ના’વે એને ભરતિ કદિ જ્યાં એકદા ઓટ આવી. ૫

[આમ તેમ ફરે છે]
 
(એકાએક ઊભો રહીને) પાનાં રાખો ! (કાન દઈને) પણે આઘે છેક દક્ષિણે ખડખડાટ સંભળાય છે. એ જ પેલું પશુ ! (કામઠું લઈ તે પર તીર ચઢાવીને) અંધારામાં કંઈ દેખાતું નથી, પણ, આ શબ્દવેધી બાણ એને આબાદ વાગશે. (અવાજની દિશામાં બાણ છોડે છે.) બાણ તો બરાબર એ તરફ ગયું.

[એકાએક ચીસ સંભળાય છે. પછી ભૂમ સંભળાય છેકે ‘ગજબ ! ગજબ ! રે ! કોઈ આવો રે !’ રાઈ તે તરફ દોડતો જાય છે.]

પ્રવેશ ૩ જો
સ્થળ : કિસલવાડી.

[છાતીમાં તીર પેઠેલું એવું લોહી વહેતું શબ જમીન પર પડ્યું છે. પાસે શીતલસિંહ બેઠા છે. એવો પ્રવેશ થાય છે.]

[એક તરફથી રાઈ તીરકામઠા સાથે દોડતો આવે છે. બીજી તરફથી જાલકા જાદુગરના વેશમાં ફાનસ લઈ દોડતી આવે છે.]

રાઈ : (ફાનસને અજવાળે શબને જોઈને ચમકીને) આ કોણ? શું ! મહારાજ પર્વતરાયની છાતીમાં મારું બાણ
અંક પહેલો