પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આવી સુન્દર વાડીમાં વર્ષો કાઢ્યાં છતાં લેખા કુદરતનો મર્મ સમજી નથી તો પ્રેમ કેવો આદરનીય છે તે એ ક્યાંથી જાણે?
વીણાવતી : પ્રેમને લેખા તાપ લાગતાં વરાળ પેઠે ઊડી જનારી વસ્તુ સમજે છે. કશાથી હું ડગી નહિ, ત્યારે એણે મને કહ્યું કે તમારા વૈધવ્યની વાત સાંભળતાં એમના પ્રેમનું એક બિન્દુ પણ રહે છે કે કેમ તે જોજો.
જગદીપ : એ વચન સાંભળી તને કાંઈ બીક લાગેલી ?
વીણાવતી : શાની બીક ?
જગદીપ : મારો પ્રેમ ઊડી જતાં ત્યાગ થવાની.
વીણાવતી : (આંગળીથી નિર્દેશ કરીને)

પેલું સારસ જોડું જે વિચરતું દીસે નદીને તટે,
એમાંની કંઈ વેળ સૂધિ સ્થળ આ માદા હતી એકલી;
કાંઈ કાળ વિતે પછીથિ નર ત્યાં આવી મળ્યો એહને,
એને ત્યાગની બીક લાગિ નથિ તો લાગે મને શી રિતે? ૮૭.

જગદીપ : હું એવા વિશ્વાસને પાત્ર છું તેથી પોતાને ધન્ય માનુ છું, પરંતુ સંસારનો માર્ગ સરળ નથી. આપણામાં હાલ વિધવાવિવાહનો પ્રતિબંધ છે. તેથી આપણે લજ્ઞ કરીશું તો કદાચ રાજગાદીનો માર્ગ બંધ થઈ જશે, અને જનસમૂહ આપણી સાથે સંબંધ નહિ રાખે.
વીણાવતી : એથી મારા જગદીપના જગદીપપણામાં ફેર પડશે?
જગદીપ :

વીણાતણા પ્રેમથી જે વિંટાયો,
વીણાતણા સંગથિ જે ઘડાયો;
જેને ન વીણા વિણ યોગ ક્ષેમ.
જુદો બને તે જગદીપ કેમ? ૮૮

૧૪૦
રાઈનો પર્વત