પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વાગ્યું? પ્રભુ ! આ શો ગજબ ! મેં તો કોઈ નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ છોડ્યું હતું. શીતલસિંહ ! આપ મહારાજની સાથે હતા? અંધારી રાત્રે આ વાડીમાં ક્યાંથી ?
શીતલસિંહ : (નિરાશાથી) મહારાજને મોત અહીં લઈ આવ્યું, અને મને મોત અહીંથી લઈ જનાર છે; કેમકે, નગર સુધી હવે બીજું કોઈ મારો સાથી થાય તેમ નથી.
જાલકા : શીતલસિંહ ! આ શો કેર કર્યો ! મેં તમને કહ્યું હતું કે મહારાજાને લઈને ઉત્તરને ઝાંપેથી આવજો, અને, તમે દક્ષિણ તરફથી કેમ આવ્યા? એ તરફ તો ઝાંપો પણ નથી !
શીતલસિંહ : મહારાજે પોતે આગ્રહ કર્યો કે દક્ષિણ તરફ ચાલો, અને, માર્ગ નહીં હોય તો છીંડું પાડીશું. રાજજોશી મુહૂર્ત આપ્યું હતું કે નગરથી એ તરફ પ્રયાણ કરવાનું આ વેળા બહુ શુભ લગ્ન છે. પરંતુ.

અદૃષ્ટ ભાવિનો પન્થ કોનાં નેત્રે દીઠો કદી?
સન્મુખ મૃત્યુ ઊભેલું દહાડે એ દીસતું નથી! ૬

મહારાજના પ્રાણ નીકળી ગયા છે તેનો હવે વિચાર કરો.
રાઈ : મને આમાંનું કાંઈ સમજાતું નથી. અજાણ્યે રાજવધ કર્યાની જે શિક્ષા હોય તે ખમવાને હું તૈયાર છું, પરંતું તમારી એવી શી ગોઠવણ હતી કે જેથી આ દુર્ભાગ્ય મારે માથે આવી પડ્યું?
શીતલસિંહ : રાઈ ! તારો એમાં કાંઈ અપરાધ નથી. જાલકા ! એને હકીકતથી વાકેફ કર કે પછી આપણે ત્રણે મળી કાંઈ રસ્તો કાઢીએ.
રાઈનો પર્વત