આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જગદીપઃ | હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો! મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે! ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય? |
દુર્ગેશઃ | સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં. |
જગદીપઃ | મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને. |
દુર્ગેશઃ | રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં. |
જગદીપઃ | ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે? |
દુર્ગેશઃ | પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો. |
જગદીપઃ | એ ક્યાં રુદ્રનાથમાં છે? |
દુર્ગેશઃ | ના, કિસલવાડીમાં છે. |
જગદીપઃ | એની પાસે કોઇ નહિ હોય! |
દુર્ગેશઃ | દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે. |
જગદીપઃ | કમલાદેવીનો હું કેવો આભારી થયો છું! પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી? |
દુર્ગેશઃ | તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી. |
૧૪૪
રાઈનો પર્વત