પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા :

પડદો જે હતો ધર્યો ધીમે ધીમે ઉપાડવો,
રાઈ ! તે બાણ તારાએ કીરી ખુલ્લો કરી દીધો. ૭

રાઈ : સૂકાયેલા ઝાડને સજીવન કરવાની વાત બધી ખોટી હતી?
જાલકા : ખોટી નહોતી. મહારાજ પર્વતરાયને હું એ પ્રયોગ કરી બતાવવાની હતી. તેમને વૃદ્ધ વયમાં ફરી જુવાન બનાવવાનું મેં માથે લીધું હતું. એની પ્રથમ મારા ઉપચારની સફલતાની ખાતરી કરવા સારુ ઝાડા પરનો એ પ્રયોગ જોવા આજ રાત્રે તેમને અહીં બોલાવ્યા હતા.
રાઈ : મહારાજનો કેવો વિચિત્ર અભિલાષ !

જુવાનને યૌવન ઇષ્ટ લાગે,
તારુણ્ય તે અક્ષયિ સ્થાયિ માગે;
પરંતુ વૃદ્ધત્વ મળેલું કૃચ્છ્રે,
શું નાખી દેવા જનવૃદ્ધ ઈચ્છે? ૮

જાલકા : તને ખબર નથી રાણી રૂપવતીના સ્વર્ગવાસ પછી મહારાજે ફરી લગ્ન કર્યું છે, અને નવાં રાણી લીલાવતી હજી યુવાવસ્થામાં પ્રવેશ જ કરે છે ?
રાઈ : અને એ લગ્નની નવી વિધાત્રી થવામાં તને શું મળવાનું હતું?
જાલકા : યૌવન ફરી આવે તો તને રાજ્યનો કોઠો ભાગ આપી દેવા મહારાજે મને વચન આપ્યું હતું, પણ, એમના મનોરથ એમના આ લોહી સાથે વહી જાય છે ત્યાં મારા મનોરથનો ક્યાં શોક કરું?
શીતલસિંહ : લાંબી લાંબી વાતો કરવાનો આ પ્રસંગા નથી. જાલકા !
અંક પહેલો