પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે ? અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે - અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે ?
શીતલસિંહ : તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.
મંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.
શીતલસિંહ : એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્‌વાસ લેવાનું ના ભૂલું ?
મંજરી : હવે શ્વાસોચ્છ્‍વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.

[શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]

[બંને જાય છે.]
 

પ્રવેશ ૪ થો

સ્થળ : દુર્ગેશનું ઘર

[જગદીપ, દુર્ગેશ અને કમલા વાતો કરતાં બેઠેલાં પ્રવેશ કરે છે.]
દુર્ગેશ : શીતલસિંહની ખટપટ વધતી જાય છે. ભગવન્ત કહેતા હતા કે શીતલસિંહ અને મંજરીની મદદે આવવા પૂર્વની સરહદ પરના રાજાએ લશ્કર એકઠું કરવા માંડ્યું છે.
અંક સાતમો
૧૫૭