પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેણે પૂર્વ-મંડળના આપણાં મંડળેશને ફોડી પોતાના લશ્કરને માર્ગ મળવાની ગોઠવણ કરવા પ્રયત્ન કર્યો, તે તો નિષ્ફળ ગયો. ભગવન્તને લીધે સર્વ અધિકારીઓએ રાજભક્તિમાં દૃઢ રહ્યા છે.
કમલા : હવે ગુજરાતના વહાણનું સુકાન ફક્ત રાણી લીલાવતીના હાથમાં છે, પણ શ્રીમતીને એ વિશે લેશમાત્ર ચિંતા નથી.
દુર્ગેશ : લીલાવતી રાણીના પિયેરનો પુરોહિત આવેલો છે. તેણે શીતલસિંહને રાણી સાહેબ રૂબરૂ લાવવાની અનુજ્ઞા માગેલી, તેની રાણી સાહેબે ના પાડેલી. પણ, ભગવન્તે સલાહ આપી છે કે એમની મુલાકાત લેવી અને એ લોકો કહે તે બધું સાંભળવું. એ લોકો વિધવાવિવાહની અનિષ્ટતા રાણીસાહેબના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવાના છે.
જગદીપ : એક રાજપુરુષે મિત્રભાવે મને કહ્યું કે ‘ આ વિધવાવિવાહની વાત પડતી મૂકો તો અડધી ખટપટ શમી જાય. ગુજરાતના રાજાને કન્યાની ખોટ નહિ પડે ’ મેં ઉત્તર દીધો કે ‘ગુજરાતનું તો શું પણ આખી પૃથ્વીનું રાજ્ય મળતું હોય તો પણ તે માટે જગાડેપ વીણાવતીનો ત્યાગ કરે તેમ નથી.’
દુર્ગેશ : ભગવન્ત આગળ કોઈએ એમ કહ્યું કે ‘હાલ જગદીપદેવ એમ પ્રગટ કરે કે “હું વીણાવતી સાથે લગ્ન કરવાનો નથી.” તો શું ? ગાદીએ બેઠા પછી એમને એ લગ્ન કરવું હોય તો કોણ અટકાવનાર છે ?
જગદીપ : એવા અસત્યવાદીને ગુજરાતની ગાદી પણ ના ઘટે અને વીણાવતીનો હસ્ત પણ ન ઘટે. ભગવન્તે શું કહ્યું?
દુર્ગેશ : ભગવન્તે ઉત્તર દીધો કે ‘જગદીપદેવના ઉદ્દાત વીરત્વનો તમને ખ્યાલ નથી , તેથી આવી સૂચના કરો છો.
૧૫૮
રાઈનો પર્વત