પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



તેને પરણાવજો.' એથી ભાઇબહેનનાં મન ઊંચાં થયાં છે. વળી, એ લગ્ન હવે પાસે આવ્યું અને અટકે તેમ નથી, તેથી ત્યાંથી શોક કરાવવા કોઈ સગાંથી અવાય નહિ. તે માટે, એકલા પુરોહિતને શોક કરવા મોકલ્યા છે.
કમલા : અને, પુરોહિત મહારાજ મહેલમાં જઈ શોક કરાવે છે ને બહાર નીકળી ગાદીની ખટપટ કરે છે. શોક કરાવતાં આંખે કાંઈ ખરાં ખોટાં આંસુ વળગી રહ્યાં હોય તે પર શીતલસિંહના દામ લગાડતાં તે આંસુ લુછાઈ જાય છે, સુવર્ણમાં વાદળી, જેવો આંસુ ચૂસી લેવાનો ગુણ છે !
જગદીપ : અને, સુવર્ણને નિચોવતાં પાછાં તેમાંથી આંસુ જ નીકળે છે !
દુર્ગેશ : રાજા તો લક્ષ્મીપતિ છે, અને લક્ષ્મીપતિએ એવી વૈરાગ્યવૃત્તિ ધારણ કરવી ન જોઈએ.
કમલા : અને હવે તો આપ સંસારના ઊમરા પર આવી પહોંચ્યા છો. વીણાવતીદેવીને સૌભાગ્ય અર્પણ થતું જોવાની અમારી ઉત્કંઠા હવે રોકી શકાતી નથી.
જગદીપ : મારી પ્રિય માતાના અવસાન પછી તરત લગ્નોત્સવ રચવાની મને ઇચ્છા થતી નથી, પણ વીણાવતીને આવા સંજોગોમાં અસહાય અવસ્થામાં રહેવા દેવી એ ઉચિત નથી. અહીંથી જઈ એને આજે નગરમાં તેડી લાવીશ. રાણી લીલાવતી પાસે અમારે બન્નેએ જઈ એમનો આશીર્વાદ માગી લેવો, અને પછી લગ્ન ક્રિયા કરવી, એવી મારી ધારણા છે. ભગવન્તે સંમતિ દર્શાવી છે.
દુર્ગેશ : તમે પાછા આવો ત્યાં સુધીમાં અમે ભગવન્તને તથા શ્રીમતીને મળી એ ધારણા પૂર્ણ કરવાની તૈયારી કરીશું.
[બન્ને જાય છે.]
 
૧૬૦
રાઈનો પર્વત