પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાઈ  : પ્રાણાંન્તે પણ સહાય થઈશ. ન્યાય પ્રમાણે જે હકદાર નીકળશે તેને ગાદીએ બેઠેલો જોઇશ ત્યાં સુધી વિરામ નહિ લઊં એવી પ્રતિજ્ઞા લઉં છું.
જાલકા : ત્યારે ગાદીના હકદારની ખોળ કરીએ. પર્વતરાયને પુત્ર નથી, બન્ધુઓ નથી. એણે તો દૂર દેશથી આવી આ રાજ્ય જીતી લીધેલું. તેનો પોતાનો જ આ રાજ્ય પર જૂનો હક નહિ, તો શું દેશાવરમાં એના કોઇ સગા હોય તેમાંથી કોઇને અહીં લાવીને ગાદીએ બેસાડવો ?
રાઇ : તું કહેતી હતી કે પર્વતરાયે આ દેશના પ્રથમના રાજા રત્નદીપદેવનો અધર્મથી વધ કરાવ્યો. તે વેળા રત્નદીપદેવની રાણી અમૃતદેવી બાળક કુંવર જગદીપ સાથે પોતાના પિતાને ત્યાં હતી, પણ તે પછી તેઓ ક્યાંઈ અદૃશ્ય થઈ ગયેલાં છે. તે કુંવર જડી આવે તો તેને ગાદીએ બેસાડવો જોઇએ.
જાલકા : એ તું પસંદ કરે છે ?
રાઇ : સંપૂર્ણ રીતે
જાલકા : ત્યારે, આજ સુધી ગુપ્ત રાખેલી વાત તને કહું છું. તું જ જગદીપ છે અને હું જ તારી માતા અમૃતદેવી છું.
રાઈ : (આશ્ચર્ય પામીને ) શું ? તું મારી માતા ! (જાલકાને ભેટે છે. છૂટો પડીને ) આજ લગી તેં મને માતા વગરનો કેમ રાખ્યો ?

પાસે સુધાસરિત ને મુજ કંઠ શુષ્ક  !
પાસે પ્રલેપનિધિ ને મુજ ચક્ષુ ઉષ્ણ !
પાસે સુવાસભરિ શીતલ વાટિકા ત્યાં,
હું છિન્નભિન્ન ભટક્યો તૃણઝાંખરામાં ! ૯

જાલકા : તારા રક્ષણ માટે અને તારા ભાગ્યોદય માટે આ બધી ગુપ્તતા રાખવી પડી છે.
૧૪
રાઈનો પર્વત