પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાઈ : તારા ગાઢ વાત્સલ્યની કદર હવે મને સમજાય છે. પરંતુ, હ્રુદયમાં સ્નેહોર્મિઓ અનુભવવાનો મારા જીવનનો કેટલો બધો અમૂલ્ય સમય વ્યર્થ ચાલ્યો ગયો ! બાળપણના વહી ગયેલા દિવસો તરફ હું દૃષ્ટિ કરું છું ત્યારે મને યાદ આવે છે કે,

(દ્રુતવિલંબિત)

નિરખતો કદિ બાળક દોડતાં,
ઉલટથી નિજ માત નિહાળતાં,
ઊમળકા ઊઠતા હ્રુદયે મમ,
ન શકતો કળિ તેનું હું કારણ. ૧૦

તેં મને સુખની ન્યૂનતા રાખી નથી, પણ મનમાં માતાની કુમક વિનાનાં બાળપણનાં મારાં સુખ અધૂરાં જ રહ્યાં !

‘મા’ શબ્દ ધન્ય ઊચરી નહિ મેં કદાપિ,
માગ્યા પદાર્થ નજિવા પ્રબલ સ્પૃહાથી;
ના બાલમંડળિમહીં લિધિ મેં પ્રતિજ્ઞા :
'અન્યાય સારુ કરશે મુજ માત શિક્ષા.’

જાલકા : કંઈ કંઈ સ્થળે સંતાવું પડેલું; ત્યાં હું તારી મા તરીકે શી રીતે પ્રગટ થાઉં ? ઘણાં વર્ષ વીત્યા પછી કનકપુરની સમીપમાં આ વાડી લઈને આપણે અહીં આવીને રહી શક્યા છીએ.
રાઈ : માળીને વેશે રહેવાનું તેં કેમ પસંદ કર્યું ?
જાલકા : ઘરાકોને ફૂલ આપવા જતાં નગરમાં બધે ફરી શકાય છે. એજ કામે આખરે હું રાજમહેલમાં દાખલ થઈ શકી અને પર્વતરાયનો મેળાપ કરી શકી.
રાઈ : પર્વતરાયને જુવાન કરવાના પ્રયત્નમાં તું શું રીતે ફત્તેહમંદ થવા ધારતી હતી ?
અંક પહેલો
૧૫