પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા : કેશ કાળા થાય અને ઘોડે બેસી શકાય એટલી શકિત આવે એવાં ઔષધ મારી પાસે છે, અને તેટલું કરી આપવાની મેં શરત કરી હતી. પણ, પર્વતરાયને વૈદ્યક કરતાં જાદુ પર વધારે શ્રધા હતી, અને તેથી, જાદુના પ્રયોગથી સૂકા ઝાડને એકદમ લીલો છોડ કરી બતાવવાની મારે યોજના કરવી પડી. એવો પ્રયોગ હું દેખડું તો પર્વતરાય આજ રાત્રે જ મને એવો લેખ કરી આપવાના હતા કે જુવાનીનાં ચિહ્ન તેમને પ્રાપ્ત થયેથી રાજ્યનો ચોથો ભાગ મારી તરફથી તને આપવો.
રાઈ : અને તે જાદુનો પ્રયોગ શી રીતે કરત ?
જાલકા : એ તો માત્ર પેલા કાળા પડદા પાછળ બાંધેલી દોરીઓની કરામત હતી. પાસે દાટેલું સૂકું ઝાડ ભોંયરામાં ઉતરી જાત અને તેને ઠેકાણે એક લીલો છોડ ખસી આવત.
રાઈ : આટલું બધું છલ શાને માટે ?
જાલકા : તને તારા પિતાની ગાદી પાછી અપાવવા માટે એકવાર રાજ્યનો ચોથો ભાગ તારે હાથ આવે તો કોઇ કાળે પર્વતરાય છતાં કે પર્વતરાય પછી આખું રાજ્ય સંપાદન કરવાની તને અનુકૂળતા મળે. તારા બહુબળ પર મને સંપૂર્ણ ભરોંસો છે.
રાઈ : પરંતુ બાહુબળ વાપરનારા છલનો આશ્રય નથી કરતા.
જાલકા : છલની જે શિક્ષા હશે તે હું ભોગવીશ, પણ તારા પિતાની પ્રતિષ્ઠા ખાતર અને તારી માતાના પ્રેમ ખાતર તું આ પ્રસંગ વ્યર્થ જવા ન દઈશ. બળથી રાજ્ય વશ કરીએ એવું આ વેળા આપણું સામર્થ્ય નથી. અને વળી, પ્રાણાન્તે પણ જગદીપને ગાદીએ બેસાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે.
રાઈ : પણ તે અસત્યને માર્ગે ? પ્રાણાન્તે પણ ધર્મયુધ્ધ કરવા નીકળતાં મને લેશમાત્ર સંકોચ નથી.
૧૬
રાઈનો પર્વત