પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા : પર્વતરાયનો તરા શસ્ત્રથી જ તેં વધ કર્યો છે.
રાઈ  : અજાણતાં થયેલા વધમાં ક્ષત્રિયોનું પરાક્રમ ગણાતું નથી.

સામો જઈ જે ઘા કરે, તે જ ખરો રણવીર:
ચાડી ચુગલી તોલનું, છૂપું ફેંક્યું તીર. ૧૨

મને પ્રગટ થવા દે કે મારા પરાક્રમનો દાવો કરવાનો મને પ્રસંગ મળે.
જાલકા : અત્યારે પ્રગટ થવાનો સમય છે ? તું ગાદીએ દૃઢ સ્થપાઈશ પછી આપણે કશું ગુપ્ત નહિ રાખીએ. પણ, જગદીપ-અરે-રાઇ ! આ અણીનો સમય છે; અને તું તારી માતાને નિરાશ ન કર. મૃત્યુની મને બીક નથી, પણ, મારા સ્વામીનું અને મારા પુત્રનું રાજ્ય સદાને માટે લુપ્ત થતું જોઈને તથા તેમનો વંશ નિર્મૂળ થતો જોઇને મારે પ્રાણત્યાગ કરવાનો ? અને, એ બધી ક્રૂરતા મેં આશાએ આશાએ કષ્ટ વેઠી સંભાળથી ઉછેરેલા મારા પુત્રને જ હાથે ?
રાઇ : મા ! મને એકવાર એ સંબોધન કરી લેવા દે. કોઇ સમીપ નથી. મા ! તારા પ્રેમ આગળ મારું આત્મબળ હારી ગયું છે. હું પણ છલની જે શિક્ષા હશે તે ભોગવીશ, હું તારી ઈચ્છાને આધીન છું.
જાલકા : જો ! પણે શીતલસિંહ સ્નાન કરીને આવે છે. જા, તું પણ સ્નાન કરી આવ. રાજાનું સ્નાન રાજાના વારસે કરવું જોઇએ.
રાઈ : મને મૃત્યુથી શી રીતે મલિનતા પ્રાપ્ત થઈ છે ? પરંતુ, નદીની શીતલતા શાન્તિકર થશે.
[રાઈ જાય છે.]
 
અંક પહેલો
૧૭