પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા : શીતલસિંહ  ! બહુ વાર થઈ  !
શીતલસિંહ : ( હાંફતો હાંફતો ) કાં તો અંધારી રાતને લીધે અથવા તો આ બનાવને લીધે નદીએ અત્યારે બહુ કારમી વસતી થઈ છે. હું નદીની રેતીમાં પેઠો એટલે પાછળથી પાસે આવી મહારાજના જેવા અવાજથી મારું નામ દઈ મને કોઈએ બોલાવ્યો. પાછો ફરી જોઉં છું તો કોઇ મળે નહિ ! થોડીવાર તો મારાથી હલાયું કે ચલાયું નહિ ! પછી પાછળ જોતો જાઉં ને આગળ ચાલતો જાઉં. એમ હું નદીકિનારે પહોંચ્યો જેવો પાણીમાં પગ મૂકું છું તેવી રાણી રૂપવતીની આકૃતિ પાણીમાંથી નીકળી આવી, અને મને અંદર બોલાવવા તેણે હાથ લાંબો કર્યો. હું ભયથી છળીને નાઠો, અને ઘણીવાર સુધી એક ઝાડને થડે વળગીને સંતાઇ રહ્યો. આખરે તારું સ્મરણ થયું ત્યારે મને હિંમત આવી, અને, હું આંખો મીંચી રાખી ને કાન દાબી રાખી જેમતેમ નાહીને અહીં દોડી આવ્યો. આ વાડીના ઝાંપામાં હું પાછો પેઠો ત્યારે હું જીવતો છું એમ મને ખાતરી થઇ. રાઇ નદીએ જતો હોય તો એને પાછો બોલાવ.
જાલકા : એને ભય નહિ લાગે અને ભૂત નહિ દેખાય ! ભયભીત દશામાં નિર્બળ થયેલા મનને જ એવી સ્વકલ્પિત ભ્રમણાઓ દેખાય છે.
શીતલસિંહ  : જાલકા ! એક બીજી શંકા મને ઉત્પન્ન થઇ છે, તે હું કહું છું તે માટે ક્ષમા કરજે. તારી યુક્તિ પ્રમાણે નગરમાં સંદેશો કહેવડાવીશું અગર હું જઇને કહીશ, પણ, કલ્યાણ કામ અને બીજા રાજપુરુષો તે નહિ માને તો ? એવી વાત એકદમ ન યે મનાય.
જાલકા : તેની ફિકર કરવા જેવું નથી. મહારાજની કમ્મરમાંથી
૧૮
રાઈનો પર્વત