પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આ પત્ર મને મળી આવ્યો છે. એમાં માત્ર મહારાજની સહી અને મહોરછાપ છે. બાકીનો પત્ર કોરો છે.
શીતલસિંહ : તને, તું કહે એવી ઇબારતનો લેખ લખી આપવા મહારાજ એ પત્ર તૈયાર કરી સાથે લેતા આવ્યા હતા.
જાલકા : એ પત્ર ઉપર આપણો સંદેશો તમે લખજો. અને, મહારાજની આંગળીએથી આ વીંટી હું લેતી આવી છું. તે તેમના રિવાજ મુજબ એધાણી તરીકે પત્ર જોડે મોકલીશું.
શીતલસીંહ : આફરીન ! જાલકા, તારી અક્કલને આફરીન  ! મહારાજ પોતે જીવતા હોય તો પણ આ પુરાવો તેમને માનવો પડે.
જાલકા : રાઇને આ પત્રની વાત કહેવાની નથી. ભેદમાં જેટલા ઓછા સામેલ તેટલી વધારે સલામતી. મહારાજનો આ હાર અને આ તોડો છે તે રાઇ જ્યારે મહારાજને વેશે નગરમાં જશે ત્યારે એને પહેરાવીશું. હવે આપણું કાર્ય સમાપ્ત કરીએ.
[બંને જાય છે.]
 


પ્રવેશ ૫ મો

સ્થળ : રંગિણી નદીનો કિનારો

[રાઈ પ્રવેશ કરે છે.]
 
રાઈ : માનવકૃતિ અને પ્રકૃતિ વચ્ચેના મોટા અન્તરનો અનુભવ મને આજે જ થયો. વાંચ્યું હતું અને સાંભળ્યું હતું તેનો સાક્ષાત્કાર થયો નહોતો ત્યાં સુધી એ અન્તરની વાસ્તવિકતા મને સમજાઈ નહોતી. ક્યાં એ વાડી અને ક્યાં આ નદીતટ!

ઘવાયાં શાં ગાત્રો મુજકરથી ત્યાં પ્રકૃતિનાં !
અહીં શાં સ્વચ્છંદે અવનિ જલ આકાશ ખિલતાં!

અંક પહેલો
૧૯