પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞાનીઓ, કવિઓ, તપસ્વિ ઋષિઓ, ભક્તો, મહાચિન્તકો,
સંતો, તાત્ત્વિક પંડિતો, નયવિદો, રાજ્યોતણા શાસકો;
વિદ્વાનો જલભૂમિપ્રાણિપશુના આકાશ પાતાલના
પોષ્યા કાંઈ અગણ્ય જે ધરતિએ ઓછું શું છે તેહમાં ? ૧૭

ધરતીના પટ પર આવો ભર્યોભંડાર છે; કંઇ મનુષ્યો રોગથી આરોગ્ય પામ્યા છે, કંઈ મનુષ્યો આરોગ્યમાંથી રોગ પામ્યા છે. ત્યાં આ મારી શંકાઓ માટે જડીબુટ્ટી કોઈ ઠેકાણેથી નહિ મળી આવે ? કોઈ કવિકોવિદ-વિશારદ એવો નહિ મળે કે જે મને સમજાવે કે માતાનો પ્રેમ મારા અંતઃકરણને કેમ ગૂંચવે છે?

પ્રેમ ને સત્ય એ બન્ને અંશો એક જ ઇશના,
તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેમના? ૧૮

પણ, પેલું કોણ દેખાય છે ? મારા એકાંતને ખંડિત કરવા અને પ્રકૃતિને પવિત્રતાને કલુષિત કરવા કોણ રેતીમાં પગલાં ભરે છે ? અરે ! જાલકા હોય એમ લાગે છે.
[જાલકા પ્રવેશ કરે છે.]
 
જાલકા : આ શું રાઈ ! તેં હજી સ્નાન નથી કર્યું અને વસ્ત્ર પહેરીને પાણીમાં ઊભો છે.
રાઈ : સ્નાન કરવું કે ન કરવું એ વિચારમાં છું. ધરતી મને કોરો રાખી શકે તેમ છે, અને, નદી મને ભીનો કરી શકે તેમ છે. બે માંથી કોની પ્રસાદી ગ્રહણ કરવી એ નિર્ણય કરવો બહુ કઠણ છે
જાલકા : એ તારી પંડિતાઈના તર્ક વિતર્ક જવા દે. હવે તો દુનિયાની ખરી વસ્તુઓ સાથે કામ લેવાનું છે.
રાઈ : અને પંડિતાઈ ખોટી વસ્તુ છે ?
જાલકા : તે તો કોણ જાણે, પણ પંડિતો રાજ્ય કરી શકતા નથી.
અંક પહેલો
૧૯