પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દક્ષિણથી ઝવેરી આવ્યો છે. તેની પાસેથી હીરા અને મોતી લીધાં છે. તેના એક લાખ દામ આપવા કોશાધીશને આજ્ઞા કરશો.
કલ્યાણકામ : ગયા માસમાં રણીસાહેબને એક લાખ દામ મોકલ્યા હતા.
મંજરી : તે તો ઘણે ભાગે કાશીથી આવેલાં કસબનાં લૂગડાં લેવામાં ખરચાઇ ગયા, અને થોડા વધ્યા તે કોઠાર ખર્ચમાં વપરાયા. ઝવેરાત મંગાવી આપવાનું આપને રાણી સાહેબે પ્રથમ કહેવડાવ્યું હતું, પણ આપે ઉત્તર મોકલેલો કે દંગો વખતે લાંબો ચાલે તો નાણાંની જરૂર પડે, તેથી હાલ ઝવેરાત માટે ખરચ થાય તેમ નથી. પણ હવે તો દંગો શમી ગયો છે, અને ઝવેરી સારો માલ લઇ આવી પહોંચ્યો, તેથી રાણીસાહેબે ઝવેરાત ખરીદ કર્યું છે.
કલ્યાણકામ : પુષપસેનજી! દંગા સંબંધીનો બધો હિસાબ ચૂકી ગયો છે?
પુષ્પસેન : ઉત્તર મંડળમાં ચતુરંગ સેના માટે લીધેલા ધાન્ય અને ઘાસના બે લાખ દામ વેપારીઓને હજી આપવાના બાકી છે. વળી, સૈનિકો માટે લીધેલા ઘોડા અને શસ્ત્રના ત્રણ લાખ દામ આપવાના બાકી છે.
મંજરી : રાજ્ય હોય ત્યાં ખરચ તો ચાલ્યાજ જાય. મહારાજ એકાન્તવાસમાં હોવાથી રાણી સાહેબને આમ નાણાં માટે સંદેશા મોકલવા પડે છે, તેથી એમને બહુ ઓછું આવે છે. ભગવન્તે ઝવેરાત મંગાવવાની ના કહી ત્યારે રાણી સાહેબ રોયાં હતાં.
કલ્યાણકામ : રાણી સાહેબને અમારા નમસ્કાર કહેજો, અને ઝવેરીને અમારી પાસે મોકલી આપવા વિનંતિ કરજો. એને નાણાં ચુકાવી આપીશું.
[મંજરી નમન કરીને જાય છે.]
 
અંક બીજો
૨૭