પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પુષ્પસેન : કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે.
કલ્યાણકામ : મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.
(ચામર)

સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા,
ચાર તે નરોની બુધ્ધિશક્તિથીજ છે રચ્યાં;
રાજનીતિશાસ્ત્રકાર હોત તો સ્ત્રિઓ કદી,
અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી.

પુષ્પસેન : રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.
(તોટક)

મૃદુતા લલનાહૃદયે વસતી,
પ્રતિ અશ્રુ વિશે થતિ મૂર્તિમતી;
વિણ સિંચન એ મૃદુતારસના,
સૂકી કર્કશ આ બનિ જાય ધરા.

[દ્વારપાળ પ્રવેશ કરે છે.]
 
દ્વારપાળ : (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે.
કલ્યાણકામ : એકલા છે?
દ્વારપાલ : સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે.
કલ્યાણકામ : સહુને અંદર આવવા દે.
[દ્વારપાળ જાય છે.]
 

[કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.]

કોટવાળ : ભગવન્તને નમસ્કાર કરું છું.
કલ્યાણકામ : કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે?
કોટવાળ : આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને
૨૬
રાઈનો પર્વત