પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મારામારી કરતા હતા. તેમની મદદે તેમના પક્ષનાં માણસો આવ્યાં અને રસ્તામાં બહુ તોફાન થયું. સિપાઈઓએ તેમને રોક્યા પણ માન્યું નહિ, અને ઊલટા તેઓ સિપાઈઓને મારવા ધસ્યા.
કલ્યાણકામ : (પકડાયેલા માણસોને) તમને ઘેર અણગમો થતો હોય, તોપણ તુરંગમાં જવા શા માટે આતુર થાઓ છો? જાત્રાએ જાઓ.
પહેલો માણસ : ભગવન્ત! તુરંગમાં જવા જેવું કાંઇ કૃત્ય કર્યું નથી.
બીજો માણસ : ભગવન્ત! એ તુરંગમં જવાને પાત્ર છે. હું નિર્દોષ છું.
કલ્યાણકામ : જે નિર્દોષતા રાજદરબારમાં આવી ધારણ કરો છો તે ઘેર ધારણ કરી હોત તો કોટવાલજીને આટલી મહેનત પડત નહિ. તમારા વચ્ચે કલહ શાથી થયો?
બીજો માણસ: ભગવન્ત! આ મારો ગોર છે, હું એનો જજમાન છું. મારી દીકરી માટે સારો વર ખોળી લાવવા મેં એને પરગામ મોકલ્યો હતો. એ મારો વંશ પરંપરાનો ગોર છે. મારા તરફથી સારી રીતે દાનદક્ષિણા એને મળે છે. તે છતાં, મારી નવ વરસની બાળકીનું વેવિશાળ એંસી વર્ષના ઘરડા ડોસા સાથે એ કરી આવ્યો છે. ડોસાના પૈસા ખાઇને મારી દીકરીનો ભવ બગાડ્યો છે.
કલ્યાણકામ: ભવ બગાડ્યો શાનો? તું વેવિશાળ રદ કર.
બીજો માણસ: ગોર ચાંલ્લો કરી આવ્યા પછી વેવિશાળ કંઇ તોડાય?
કલ્યાણકામ: અન્યાયનાં બંધન છોડી ન નંખાય?
બીજો માણસ: ભગવન્ત! નાતની રૂઢિ પડી, તે શું કરીએ? અમારી નાતમાં વેવિશાળ કોઇ કારણથી તોડાતાં નથી. કોઇ તોડે તો નાતવાળા નાતબહાર મૂકે, અને કન્યાને બીજું કોઇ લે નહિ.
કલ્યાણકામ: યોગ્ય-અયોગ્યનો નાત વિચાર નહિ કરે?
અંક બીજો
૨૯