પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કલ્યાણકામઃ એમ નહિ તો, મારાં નયનોના અનુરંજન ખાતર તમે થોડાં રત્ન ન પહેરો.
સાવિત્રીઃ તમારાં નયનનું એથી અનુરંજન થતું હોય, તો હું થોડાં નહિ, ઘણાં રત્ન પહેરું. પણ, તમારા હૃદયથી જુદા પ્રકારે પ્રસન્નતા મેળવવાની તમારાં નયનોને ઉત્સુકતા હોય એમ હું માનતી નથી.
કલ્યાણકામઃ મારા હૃદયની તમારી એ કદર કાયમ છે તે જાણું છું. મને બહુ નિવૃત્તિ થઇ. આજ પુષ્પસેન મને કહેતા હતા કે રાજકાર્યો કરતાં મારું હૃદય એવું કઠણ થઇ ગયું છે કે સ્ત્રી જાતિની મૃદુતા તરફ મને અવજ્ઞા થઇ છે.
સાવિત્રીઃ પુષ્પસેનને ઠેકાણે હું હોઉં તો હું પણ એમ ધારું. તમે બે પ્રકારના જીવનસ્વરૂપ ધારણ કરો છો. બહારથી તમને જોનારને તમારી દૃઢતાનું જ દર્શન થાય છે. એ દૃઢતાનાં પડની અંદર રહેલી કોમલતા લોકોને દેખાતી નથી.
(તોટક)

રસ મિષ્ટ ભરિયું ફલ જે,
રસરક્ષણ કાજ જ છાલ ધરેઃ
જડ વેષ્ટન એ કરિ દૂર શકે,
જન તે જ ગ્રહે રસ નિર્મળ એ. ૨૨

કલ્યાણકામઃ મહારાજ પાસે આવેલા વૈદ્યરાજને બોલાવી આપણે પણ જુવાન બનીએ તો બહારથી પણ રસિક રૂપ આપણને પ્રાપ્ત ન થાય? તમારી સુંદરતા તો અખંડિત છે, પણ, વય ઘટાડી આપણે બન્ને બહારની રસિકતા ધારણ ન કરી શકીએ?
સાવિત્રીઃ એવા બહારના આભાસથી આપણી પરસ્પરની કદરમાં શો ફેરફાર થાય? લગ્નને દિવસે આપણા સ્નેહની જે
૩૨
રાઈનો પર્વત