પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોળીઓ વાળવાનું શા સારુ લઇ બેઠાં છો? એ તે આપને શોભે?
રાઈઃ શ્રીમતી! આપના શ્રમમાં સમાયેલી કૃપા ઔષધથી પણ વધારે આરામ કરવા સમર્થ છે.
[પથારીમાં બેઠો થઇને ઔષધ પીએ છે.]
 
સાવિત્રીઃ (રાઈની કમર તરફ જોઇને) તમે કમરે લટકતી તલવાર કાઢી નાખવા દીધી છે, પણ આ કમરનો બંધ હજી કાઢી નાખતા નથી, એ દુરાગ્રહ કરો છો. કમરને છૂટી કરશો તો આ વેળા કરાર લાગશે.
રાઈઃ શ્રીમતી! એટલી આપની અવજ્ઞા કરી હું અકૃતજ્ઞ દેખાઉં છું. એ માત્ર કમરબંધ નથી, એ મારું જીવન છે.
સાવિત્રીઃ અર્થાત્?
રાઈઃ એ બંધ દેખાય છે તે મ્યાન છે અને અંદર તરવાર છે. હું તે રાતદિવસ કમરે વીંટી રાખું છું. અને, પ્રહાર કરવાનો પ્રસંગ આવે તે વિના એ તરવાર હું બહાર કાઢતો નથી.
વંજુલઃ શ્રીમતી! એમનું નામ તો ઝીણું રાઈનું છે. પણ રાઈ દળાય એટલે ઝમઝમાટ આવ્યા વિના રહે નહિ! હવે સ્વરૂપ જણાયું! બબ્બે તરવારોઃ એક કમરે લટકાવવાની અને એક કમરે વીંટવાની!
સાવિત્રીઃ ગોળ વળી જાય એવી તરવાર જોવા જેવી હશે!
રાઈઃ આપને જોવી જ હશે તો હું કાઢીને મારી આંગળી પર પ્રહાર કરીને પાછી મ્યાનમાં મૂકીશ, એટલે મારી પ્રતિજ્ઞાનો ભંગ નહિ થાય.
સાવિત્રીઃ સ્ત્રીજાતિને માથે અનિવાર્ય કુતૂહલનો આરોપ છે, તે ખોટો પાડવા ખાતર હું જિજ્ઞાસા મૂકી દઉં છું.
વંજુલઃ સારું કર્યું. એવું તરવારનું ગૂંચળું વખતે છૂટી જાય તો હરકોઈને વાગી બેસે.
૩૮
રાઈનો પર્વત