પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વંજુલઃ મને તો રાઈ દીધેલું સુરણ યાદ આવતું હતું. ખરો સ્મરણાલંકાર તો એ જ.
કલ્યાણકામઃ અલંકારશાસ્ત્રમાં તું ભૂલે એવો નથી, પણ સૂરણ સુંદર નથી દેખાતું.
વંજુલઃ એ ગમે તેવો સુંદર દેખાતો હશે, પણ આખરે તો માળી જ!
કલ્યાણકામઃ એવો જો કોઇ ક્ષત્રિય મળી આવ્યો હોત તો હું મહારાજ પર્વતરાયને કહેત કે જુવાન થવાના ઉઅપ્ચાર કરવાને બદલે એવા યુવકને દત્તક લેવો શ્રેયસ્કર છે. જોઈ પદવી અપાતી હોય તો રાજપદ એને જ –
[નોકર પ્રવેશ કરે છે.]
 
નોકરઃ (નમીને) મળી ચૂક્યું છે, ભગવન્ત.
કલ્યાણકામ : (ચમકીને) શું ?
નોકરઃ પૂર્વમંડળેશ તરફથી દૂત આવ્યો છે. તે કહે છે કે એટલા જ શબ્દો ભગવન્તને કહેવાના છે.
કલ્યાણકામઃ ઠીક, એને ઉતારો આપો.અને, પુષ્પસેનજીને મારા નમસ્કાર સાથે કહી આવ કે આપની જરૂર પડી છે, માટે કૃપા કરી સત્વર પધારશો.
નોકરઃ જેવી આજ્ઞા.
[નમન કરી જાય છે.]
 
કલ્યાણકામઃ વંજુલ! જા. એ દુતના ભોજનનો બંદોબસ્ત કર.
વંજુલઃ મારા ભોજનના બંદોબસ્તનું તો કહેતા નથી!
[જાય છે.]
 
સાવિત્રીઃ આ દૂતનો સંદેશો કંઈ અગમ્ય છે!
કલ્યાણકામઃ મહારાજ પર્વતરાય ગેરહાજર છે તે જાણી પૂર્વમંડળ પર ચઢી આવવા કેટલાક શત્રુઓ તૈયારી કરતા હતા. તેમનું સૈન્ય સરહદ પર એકઠું મળે એટલે આવા શબ્દોનો સંદેશો મુદ્દામ માણસ સાથે મોકલવા પૂર્વમંડળેશ સાથે
૪૨
રાઈનો પર્વત