પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સંકેત કર્યો હતો. એ તરફ સૈન્ય તો પ્રથમથી જ મોકલેલું છે, પણ હવે પુષ્પસેનને જ ત્યાં મોકલવાની જરૂર છે. પુષ્પસેન આવે ત્યાં સુધીમાં હું કાગળો તૈયાર કરી રાખું.
સાવિત્રીઃ ભોજન કરીને થોડી વિશ્રાન્તિ લીધા પછી આ કામ કરવાનું રખાય તેમ નથી?
કલ્યાણકામઃ
(હરિણી)

તમ વચનથી પામ્યો છું હું ઉરે રસપોષણ,
ઉદરભણે હાવાં કાંઈ સહીશ વિલંબન;
શ્રમ ઘટિ ગયો સૂણી જે જે વદ્યો બટું વંજુલ,
શ્રમ-સુખ જુદાં થાયે ક્યાંથી ખભે ધરિ જ્યાં ધુર? ૨૫

[બંને જાય છે.]
 
પ્રવેશ ૪ થો.


સ્થળ:રુદ્રનાથનું મંદિર
[જાલકા અને રાઈ પ્રવેશ કરે છે.]
 
જાલકા: શીતલસિંહ પાસે મંગાવેલા કાગળો દ્વારા તને રાજ્યનાં કાર્યોની માહિતી મળી છે, અને, હવે તારે ગુપ્ત રીતે નગરમાં ફરીને નગરનાં માણસો અને સ્થાનોથી વાકેફગાર થવાનું છે. કલ્યાણકામને તેં તારું નામ અને ઠેકાણું કહ્યાં તેથી એ કાર્ય બહુ મુશ્કેલીભર્યું થયું છે, અને, બહુ સંભાળથી કરવું પડશે. તને વાગ્યું ત્યારે તારા જખમો અને પાટાને લીધે તું ઓળખાય તેવો નહોતો. પણ તું રાઈ તરીકે કલ્યાણકામને પરિચિત થાય તો આગળ જતાં એ તને પર્વતરાય તરીકે શી રીતે સ્વીકારે?
રાઈ : મારા મેળાપની કલ્યાણકામને થોડા વખતમાં વિસ્મૃતિ થશે.
અંક બીજો
૩૧