પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જાલકા : આપ ઉપમંત્રી છો અને ભગવન્ત કલ્યાણકામનો આપના ઉપર ભરોંસો છે તેથી, આ વાત કહેવાય એવી છે એમ હું આપના કહ્યાથી માનું છું. અને તે ઉપરથી કહું છું કે વૈદ્યરાજ કદી બહાર આવતા જ નથી. એટલું જ કહી દીધા માટે અમારો વાંક નીકળે તો તમારે મને બચાવવી પડશે. હું તો ગરીબ માણસ છું. અને, જન્મારામાં પૂજા સિવાય બીજું કશું કામ કર્યું નથી.
દુર્ગેશ : અહીં બનેલી હકીકત હું કોઈને કહેવાનો જ નથી, એટલે તમારો વાંક નીકળે એવો સંભવ જ નથી. વૈદ્યરાજ હાલ બહાર આવતા ન હોય તો, જ્યારે મહારાજ સાથે તેમને બહાર આવવાનો વખત થાય ત્યારે તેમને નીકળવાની વેળાની ખબર મને મોકલશો કે તે સમયે તેમની સાથે મેળાપ કરવા હું આવી શકું.
જાલકા : વૌદ્યરાજને મળવા આટલી બધી આતુરતા હોવાનું શું કારણ ? તમારે જુવાની આણવી પડે તેમ નથી. શું કોઈ તરુણી જુવાની હમેશ કાયમ રાખવાની શરત કરે છે ?
દુર્ગેશ : (હસીને) એવી શરત કરનાર કોઈ તરુણી હજી મને મળી નથી; અને, મળે તોપણ જેને હું જેવો છું તેવા મારા પંડથી સંતોષ ન હોય તેની ખાતર હું શું કરવા એવા પ્રયાસ કરું ? હું તો વૈદ્યરાજ મને મહારાજનો કૃપાપાત્ર કરી આપ્યો તે માટે તેમને મળાવા ઈચ્છું છું. વખતે કોઈ મહારાજને, મારા પર અપ્રસન્નતા ઉત્પન્ન કરાવે તેની પાળ બાંધી શકાય માટે વૌદ્યરાજ નીકળે તે જ વેળા હું તેમને મળી શકું એવી મારી ઉત્કંઠા છે.
જાલકા : મહારાજ ક્યારે નીકળવાના છે તે હું કાંઈ જાણતી નથી. અને, એવી વાત મને પૂજારણને કહે પણ કોણ ? પણ, તમે કહેતા હો તો પ્રધાનજી કોઈ વખતે અહીં આવે ત્યારે તેમને તમારી તરફથી પૂછી મૂકું.
દુર્ગેશ : કલ્યાણકામને તો આ સંબંધી કાંઈ જ કહેવાનું જ નથી. હું
૪૬
રાઈનો પર્વત