પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અહીં આવ્યો હતો અને પૂછતો હતો એટલું પણ તેમને કાને જવું ન જોઈએ. વૈદ્યરાજ બહર ક્યારે આવશે એ ખબર તમને કોઈ રીતે મળે તો મને કહેવડાવશો તો બસ છે.
જાલકા : એટલું તો મારાથી થાય. પણ, તમે મોટા માણસ. કામ થયું એટલે અમારાં જેવાં ગરીબ વિસારે પડી જાય.
દુર્ગેશ : દુર્ગેશના બીજા દોષ હશે, પણ, દુર્ગેશ અકૃતજ્ઞ નથી. તમે અનૂકુળાતા કરી આપવાનું કબૂલ કર્યું છે, તે હું કદી નહિ ભૂલું અને, મારું કામ તો થાય કે ન થાય, પણ તમારે જે મદદ જોઈતી હશે તે અડધી રાતે પણ આવીને આપીશ, એવું મારું વચન છે. હાલ મારે બીજું કાંઈ જોઈતું નથી.

[દુર્ગેશ જાય છે. જાલકા દુર્ગેશ પાછળ જઈ બારણું બંધ કરે છે. રાઈ કોટડીમાંથી બહાર આવે છે.]

રાઈ : જાલકા ! તેં વેશ બરાબર ભજવ્યો. માણસનો વેશ ભજવ્યો. જાદુગરણનો વેશ ભજવ્યો અને પૂજારણનઓ વેશ ભજવ્યો. હવે કેટલા વેશ ભજવવા છે ?
જાલકા : મેં આ સહુ પહેલા રાણીનો વેશ ભજવ્યો છે, અને હવે, આ સહુ પછી મારે રાજમાતાનો વેશ ભજવવો છે.
રાઈ : પડદાની કરામત કરતાં પણ તારા આ બધા જાદુમાં વધારે અદ્ભુતતા છે. પણ, એ બિચારા દુર્ગેશને તેં એટલો બધો ફગવ્યો શું કામ? એની મુખમુદ્રાની આકર્ષકતા પરથી પણ તને એના પર સમભાવ વૃત્તિ ન થઈ ?
જાલકા : એ ધારતો હતો કે પૂજારણ રાજદ્વારી બાબતો સમજે નહિ, તેથી જેમ કહીશું તેમ કરશે. મેં એની એ સમજણને પુષ્ટિ આપી, અને, આપણા આભાર તળે લીધો કે કોઈ દહાડો જરૂર પડે તો કામ આવે. અને, મને ખબર મળે તો મારે કહેવાનું છે, તેથી વિશેષ મારે કરવાનું કાંઈ નથી.
અંક બીજો
૪૭