પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાઈ : એવો વ્યવહાર ન્યાયયુક્ત નથી. પરંતુ, દુર્ગેશ સાથે ન્યાયથી વર્તવાના ઘણા પ્રસંગ આવશે. એની આકૃતિ અને ગતિનો પ્રતાપ એવો છે કે શીતલસિંહને બદલે એની સાથે ફરીને કનકપુરની ચર્યા જોવાની હોય તો હું બહુ પ્રસન્ન થાઉં.
જાલકા : એનો વિશ્વાસ કેમ થાય ? એનો મહત્ત્વલોભ જોયો ? એને કલ્યાણકામ કરતાં વધારે રાજપ્રિય થવું છે !
રાઈ : મહત્ત્વકાંક્ષા સન્માર્ગે વળે તો તે પરથી લોભનો બોજ જતો રહે, અને તેને ઉત્કર્ષની પાંખો આવે. કલ્યાણકામની સ્વસ્થતા સાથે દુર્ગેશની ચંચલતાનો યોગ થાય તો તે બહુ સિદ્ધિકારક નીવડે.
જાલકા : તને રાજ્યાભિષેક થયા પછી મંત્રીમંડળમાં જોઈએ તેવી ઘટના થઈ શકશે, પણ હાલ તો, જે માણસ વધારે બુદ્ધિમાન તે વધારે આઘો રાખવા જેવો - એ નિયમ બહુ સખત રીતે પાળવો પડશે. છ માસની મુદ્દત પૂરી થવાનો સમય જેમ પાસે આવતો જાય છે તેમ મારે આ ભોંયરાની ગુપ્તતા જાળવવાના ઉપાય વધારવાની જરૂર થતી જાય છે. વધારે અદ્રશ્ય રહેવા સારુ તારે હવે કિસલવાડીમાં રહેવું પડશે. પર્વતરાય કિસલવાડીમાં આવ્યા હતા એ કોઈના જાણવામાં નથી, તેથી કુતૂહલ ખાતર કોઈ ત્યાં આવે તેમ નથી. અને વળી, જમીનમાં શબના નિશાન માલમ પડે એવું હોય ત્યાં સુધી કોઈનો પગસંચાર ઈષ્ટ નથી, માટે, એ વાડીની બહુ સાવધાનીથી રક્ષા કરવાની છે. મને વખતોવખત મળીને ખબર તો દેજે. આરતીનો વખત થયો છે અને વખતે કોઈ લોકો આવે માટે હું પૂજારણનો ઠાઠ લઈ બેસું છું અને તું જા.
[બન્ને જાય છે.]
 
૪૮
રાઈનો પર્વત