આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
[કલ્યાણકામ અને સાવિત્રી બાગમાં ફરતા પ્રવેશ કરે છે]
સાવિત્રી : | આ બધાં ફૂલમાં સહુથી વધારે સુખી ચંપો છે એને મધમાખીઓ છેડતી નથી. |
કલ્યાણકામ : | અને, એ કારણથી કવિઓએ પણ ચંપાને બહુ છેડ્યો નથી. તેથી ચંપાને નિવૃત્તિ છે. |
સાવિત્રી : | કવિઓના વ્યવહારથી પુષ્પોને સંતાપ થતો નથી. કવિઓ તો પુષ્પોની કીર્તિનો પ્રચાર કરે છે. |
કલ્યાણકામ : | કવિઓ સિવાય બીજા કોઈ પુષ્પો ઉપર વાગ્બાણ ફેંકે નહિ, એવી આજ્ઞા થઈ શકતી હોત તો પુષ્પોને સંતાપનું કારણ ન થાત. કવિઓ પુષ્પોમાં રસસ્થાન જોઈ ને તે તરફ રસભર્યાં વાગ્બાણ પ્રેરી પુષ્પોના સૌંદર્યનું પોષણ કરે છે. પરંતુ તે જોઈ અનેક કવિઓ, જેમને રસસ્થાન દેખાતાં નથી અને જેઓ વાચામાં રસ ભરી શકતા નથી તેઓ, શુષ્ક અને જડ વાગ્બાણ છોડી પુષ્પોને વિના કારણ વ્યથા કરે છે. જેમણે કમલનું સૌંદર્ય પારખ્યું ન હોય તેમણે કમલ વિશે કવિતા કરવાનો કદી પ્રયત્ન કરવો ન જોઈએ. પણ, દુર્ભાગ્યે તેમને અટકાવી શકાતા નથી અને, જન્મારામાં કદી કમલ ને ભ્રમરનો યોગ જોયા વિના અનેક જનો ઘરમાં બેઠા બેઠા કમલ ને ભ્રમરનાં વાગ્જાળ વણી કાઢે છે. |
સાવિત્રી : | સાર એ કે, ચંપા સરખી નિવૃત્તિ ઇચ્છનારે કમલ સરખો રસકોશ ધારણ કરવો નહિ. ચંપાની સુગંધમાં રહેલા અદૃશ્ય અને અસ્પૃશ્ય રસનું જેને જ્ઞાન હશે તે જ ચંપાની સમીપ આવશે. |
કલ્યાણકામ : | રાજકાર્યોના સંતાપ એ પ્રકારે હું કેમ ઓછા કરી શકું ? |
અંક બીજો
૪૯