પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મારી પ્રવૃત્તિ ઘટાડવા અને નિવૃત્તિ વધારવા તમે આમ વારંવાર આગ્રહ કરો છો, પરંતુ હું માત્ર રાજ્યનો સલાહકાર થઈ રહું એ કેમ બની શકે? મંત્રને અમલમાં મૂકવાનો તંત્ર હાથમાં ન રાખું તો અનીતિજ્ઞો સાથેના પ્રસંગ ઓછા થઈ જાય અને રાજકાર્યોના સંઘર્ષણથી ઉત્પન્ન થતી કર્કશતા વેઠવી ન પડે એ ખરું , પણ એમ વિસારે મૂકેલા દેશનું શું થાય ? હું યુદ્ધ કરવું મૂકી દઈ આચાર્ય બનું તો બીજો કોઈ યુદ્ધમાં ઝૂઝનાર છે ?
સાવિત્રી : એ સહુ ચિંતા પરમેશ્વરને છે.
કલ્યાણકામ : પરમેશ્વર પોતાની ચિંતાઓના ઉપાય મનુષ્યો દ્વારા જ કરે છે, તો જેને માથે ભાર આવ્યો તેનાથી તે ફેંકી કેમ દેવાય?
સાવિત્રી : મહારાજ પર્વતરાય વૃદ્ધત્ત્વમાંથી નીકળી યૌવનમાં આવશે ત્યારે તેઓ સર્વ ભાર વહન કરવા સમર્થ થશે.
કલ્યાણકામ : કોણ જાણે શાથી મારું ચિત્ત એ સ્થિતિની વાસ્તવિકતાનો સાક્ષાતકાર જ કરી શકતું નથી, પરંતુ એ ઉદય તો થશે ત્યારે જોઈશું. હાલતો, પણે પશ્ચિમમાં થતા સૂર્યાસ્ત સરખો આજ જ આપણે માથે છે.
સાવિત્રી : સૂર્યાસ્ત કેવો હૃદયવેધક દેખાય છે !
કલ્યાણકામ :

ઢંકાયો સૂર્ય રાતી ગગનદૃવસમી મેઘમાળાનિ પૂંઠે,
નીચે જેવું ભરે એ ડગલું અણદિઠું માળ એ દીપિ ઊઠે;
આકાશે વાદળીઓ છુટી છુટી તરતી રંગ એ ઝીલી લેતી,
છૂપો એ ડૂબતો તે, ક્ષણ ક્ષણ બદલી વર્ણ દર્શાવિ દેતી. ૨૮

સાવિત્રી : તમારી દૃષ્ટિ ઊંચે છે, પણ આ જગાએ સંભાળી ફરવાનું છે, એ તો તે જ સ્થળ –
[એટલું બોલીને અટકી નીચે જુએ છે.]
 
૫૦
રાઈનો પર્વત