પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંક ત્રીજો


પ્રવેશ ૧ લો

સ્થળ : દુર્ગેશનું ઘર.

[દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]
 
દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.
કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.
દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.
કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.
દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત? જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.
કમલા : કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.
દુર્ગેશ : એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ
અંક ત્રીજો
૫૫