પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે ! પ્રાણેશ્વરી ! તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત !

તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,
તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;
ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,
ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧

કમલા : અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.
દુર્ગેશ : શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.
કમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્યની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે 'પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે? અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ.
દુર્ગેશ : શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય? ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના !
૫૬
રાઈનો પર્વત