પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,
સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦
ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,
સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦
ભિંજવિ કેસર પાંખડિ તંતુ,
કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦

રાઈ : શી સંગીતની મધુરતા ! એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.
કમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.
રાઈ : કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય?
દુર્ગેશ : તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.
રાઈ : તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.
રાઈ : મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.
દુર્ગેશ : મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.
રાઈ : ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે?
દુર્ગેશ : મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.
રાઈ : લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે?

૬૦
રાઈનો પર્વત