પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દુર્ગેશ : એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.
રાઈ : લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.
દુર્ગેશ : જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં?
રાઈ : તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.
દુર્ગેશ : યોજના ઉત્તમ છે.
કમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.
[સર્વ જાય છે.]
 
પ્રવેશ ૨ જો

સ્થળ : કનકપુરનોપ મોહોલ્લો

[બદલેલે વેશે રાઈ પ્રવેશ કરે છે.]
 
રાઈ : (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેશે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેશનો જ બનેલો છું, એ વિષે મને શંકા થવા માંડી છે.

પ્રયોગ પૂરો કરિ નાટ્ય અંતે,
સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
શું જન્મથી મૃત્યુ સુધી જ મારે,
નવા નવા વેશ સદૈવ લેવા? ૩૪

પરંતુ જનમાનસની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેશ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો ? સેવકને છૂટ હોતી જ નથી.
અંક ત્રીજો
૬૧