પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;
કચરાનો વાળનાર, રજગાદી બેસનાર,
બન્ને એવી નિરંતર, સ્વામી કેરી સેવા કરે;
સ્વામીને માટે શ્વાસ લે, સ્વામીને માટે વેશ લે,
સેવામાંહિ વિશ્રાન્તિની ક્ષણે તેને ક્યાંથી મળે? ૩૫

આ દુર્ગેશ પણ ગુપ્ત વેશે આવી પહોંચ્યો.

[દુર્ગેશ ને એક છોકરો બે ઘડા અને કટોરા લઈ પ્રવેશે છે.]
 
રાઈ : આ છોકરો કોણ છે?
દુર્ગેશ : આ મારું વિશ્વાસુ માણસ છે. યોજના એવી કરી છે કે કે આપણે નગરમાં શેરડીનો રસ વેચવા નીકળવું. આ નગરમાં એવો રિવાજ છે કે પહેલી રાત્રે લોકો ઘરને આંગણે બેસી શેરડીનો રસ પીએ છે. આ રીતે રસ પાતાં આપણે લોકો સાથે ભળી શકીશું. આપણે બે રસનો આ અકેકો ઘડો ભરી અને આ છોકરો રસ ભરીને આપવાના કટોરા લેશે.
[એ પ્રમાણે ઘડા અને કટોરા લઈ સર્વે આગળ વધે છે.]
 
રાઈ : સામેથી પેલો બાવો આવે છે તેની પહેલી બહોણી કરીએ.
[બાવો પ્રવેશ કેરે છે.]
 
રાઈ : બાવાજી ! જે સીતારામ !
બાવો : જે સીતારામ બચ્ચા, યે બરતનમેં ક્યા હયે?
રાઈ : શેરડીનો રસ છે. બાવાજી પીશો ?
બાવો : મુફત પિલાયગા તો પીએંગે.
દુર્ગેશ : બાવાજી, મફત પાઈએ તો હમે રોટલા ક્યાંથી ખાઈએ.
બાવો : સારા નગર ઐસા હયે. હમ દાતર ઢૂંઢનેકું આયે તો
૬૨
રાઈનો પર્વત