પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પહેલો પુરવાસી : આ રસ વેચનારને પૂછો કે કોઈ ઘરડા તેના ઘરાક થાય છે?
રાઈ : તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય ?
પહેલો પુરવાસી : શું હું ઘરડો છું ?
રાઈ : તમારામાંથી કોઈ તો ઘરડો હશે!
બીજો પુરવાસી : તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા ?
રાઈ : ઘરડા કહેવામાં ગાળ છે?
ત્રીજો પુરવાસી : ત્યારે શું વધામણી છે?
રાઈ : તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું, એમાં એને દોષ કેમ દો છો?
પહેલો પુરવાસી : મહારાજને ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યાં છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચલી વળી છે? મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે.
પાંચમો પુરવાસી : ઘરડાં એમને ઘરડાં જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે !
રાઈ : તમને જુવાન રાજા કરતાં ઘરડાં રાજા વધારે ગમે ?
પાંચમો પુરવાસી : અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લાજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ.
દુર્ગેશ : તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવા ડહાપણ ભરી વાતો કરો છો.
પહેલો પુરવાસી : આવો મજેદાર રસ તમે પાઓ એટલે ડહાપણ આવ્યા વિના રહે ?
૬૬
રાઈનો પર્વત