પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાઈ : એ સર્વ ગોપનસામગ્રી છતાં કટારી ઝાલવાની ઢબથી હથિયારનો પરિચય ગુપ્ત રહેતો નહોતો.
કમલા : ક્ષત્રિયાણી હથિયારની છેક અપરિચિત તો ન હોય.
રાઈ : વીરાંગનાના તેજનો ઝબકારો જોવાનો અમને પ્રસંગ મળ્યો એ અમારું ધનભાગ્ય, પરંતુ છોકરાને વેશે અમારી સાથે નગરચર્ચા જોવા આવવાનું પ્રયોજન સમજાયું નહિ. દુર્ગેશને રાત્રે એકલા જવા ન દેવા એવો અણભરોંસો તો કમલાદેવીને હોય જ નહિ.
કમલા : અનુભવ થવાનો પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે પ્રેમીજનોને પરસ્પર અવિશ્વાસ હોતો જ નથી.
દુર્ગેશ : અને પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.
રાઈ : ત્યારે ટૂંકા વિયોગની અધીરાઈ એ પણ સાથે આવવાનું કારણ ન હોય.
કમલા : વિયોગની અધીરાઈનાં જે કૃત્રિમ વર્ણનો કવિતાને નામે જોડી કાઢવામાં આવે છે તેથી જ એ અધીરાઈ હસ્યાસ્પદ થવા પામે છે.

જલપાનતણું મૂલ્ય અધૂરું રહે તૃષા વિના,
જે તાપથી તૃષા થાય આવજ્ઞા તેનિ ના ઘટે. ૩૯

પરંતુ કલ્પનાઓ કરવાનો વિશેષ શ્રમ તમને નહિ આપું. પર્વતરાય મહારાજના વર્તન સંબંધે થયેલા લોકમત વિષે ઉપમંત્રીને વાકેફ કરવાની તમે યોજના કરી, તેથી મહારાજના એ વર્તનથી સ્ત્રી વર્ગની થતી અવમાનના તરફ ઉપમંત્રીનું લક્ષ ખેંચવા હું સાથે આવી હતી, અને પુરુષવેશ વિના મારાથી આવા પ્રસંગોમાં સાથે ફરાય એ તો એ અવમાનના દૂર થાય ત્યારે જ શક્ય થાય.
દુર્ગેશ : એ અવમાનના આ રાત્રે દીઠેલા એક ચિત્રથી હ્રદય પર જેમ મુદ્રાંકિત થઈ છે તે સો વર્ણનોથી પણ અંકિત થઈ શકત નહિ.
અંક ત્રીજો
૬૯