પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



છે ત્યારે ભીંત ઉપરના ચિત્રકામમાં તેના દ્વાર ભળી જાય છે. અને બારી આગળ મોટું ઝુમ્મર ટાંગેલું છે, તેથી બારી ઉઘાડી હોય છે ત્યારે પણ આવાસમાં ફરતાં માણસોથી તે દેખાતી નથી. તે બારીએ જઈ આપણે બેસીશું.
રાઈ : પર્વતરાયે એ બારી શા માટે મુકાવેલી ?
શીતલસિંહ : રાણી એકાંતમાં શું કરે છે તેની ગુપ્ત દેખરેખ રાખવા.
રાઈ : પર્વતરાયને રાણીનો અણભરોંસો હતો ?
શીતલસિંહ : ઘરડા વરને જુવાન વહુનો અણભરોંસો હોય જ.
રાઈ : એવી પ્રેમ વિનાની લજ્ઞગાંઠ પર્વતરાયે બાંધી શું કામ?
શીતલસિંહ : પાળેલું પંખી ઊડી ન જાય માટે આપણે તેને પાંજરામાં પૂરી રાખીએ છીએ, તેથી શું આપણને તેના પર પ્રેમ નથી હોતો?
રાઈ : (સ્વગત) ઓ પ્રેમ ! શી તારી નાલેશી !
શીતલસિંહ : ચાલો, હવે મહેલની અંદર જઈએ. પહેલાંની પેઠે આ મારું પોટલું લઈ આપ મારા નોકર તરીકે ચાલ્યા આવજો.

[બન્ને જાય છે.]

પ્રવેશ ૩ જો
સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસનું શયનગૃહ.

[લીલાવતી અને મંજરી શયનગૃહમાં શણગારતાં પ્રવેશ કરે છે. રાઈ અને શીતલસિંહ ઊંચે બારીમાં ઝુમ્મર પાછળ છાનાં બેઠેલા છે.]

શીતલસિંહ : (હળવેથી) ધોળો ગાળો પહેર્યો છે તે રાણી લીલાવતી અને છાયલ પહેર્યું છે તે એમની દાસી મંજરી.
રાઈ : (હળવે) વસ્ત્રની નિશાની વિના કાન્તિથી પણ કોણ કયું તે જણાઈ આવે છે.
મંજરી : (પલંગે તોરણ બાંધતા) આ મોટાં મોતીનું તોરણ પલંગે શું કામ બંધાવો છો ? પલંગની છત્રી ઝીણાં મોતીની જાળીની છે તે બસ છે. પલંગ કરતાં શયનગૃહને બારણે
અંક ચોથો
૭૫