પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ભૂલી. મહારાજની પરીક્ષા શાની હોય ? અને તેમને ઉત્કંઠા વિશે શંકા શાની હોય? મારે ખાતર તો મહારાજ છ માસનું કેદખાનું ભોગવી આવે છે.
મંજરી : આપની ખાતર કે પોતાની ખાતર ?
લીલાવતી : મંજરી ! આજ તને કંઈ વાયુની અસર છે?
મંજરી : હું તો હમેશના જેવી જ છું. આપની રજા હોય તો બોલું.
લીલાવતી : બોલ. હું તને બોલવાની ક્યારે ના કહું છું?
મંજરી : મહરાજ જુવાન થયા તે આપની ખાતર શા માટે?
લીલાવતી : મને પ્રસન્ન કરવા અને મારાં સુખ પરિપૂર્ણ કરવા જુવાન થયા.
મંજરી : મહારાજ વૃદ્ધ હતા ત્યારે આપ પ્રસન્ન અને સુખી નહોતાં ? આપ મહારાજને ચાહો છો કે જુવાનીને ચાહો છો ?
લીલાવતી : આવા વિનય વગરના પ્રશ્ન પૂછવાનું તું ક્યાંથી શીખી આવી?
મંજરી : આપની રજા છે માટે બોલું છું. હું તો માનું છું કે

આપને કાંઈ ઓછાપણું નહોતું, પણ મહારાજને પોતાને ઘડપણમાં ઓછાપણું લાગતું હતું તેથી જુવાન થયા.

લીલાવતી : મંજરી ! તું પંડિત થઈ છે !
મંજરી : આ છ મહિના આપે મને આપની પાસે બેસાડી પ્રેમની ઘણી ચોપડીઓ વંચાવી છે, તેથી હું પ્રેમપંડિત થઈ હોઉં તો કોણ જાણે ! બીજી કોઈ પંડિતાઈ તો મને નથી આવડતી. પણ, હું ખોટું કહું છું ? આપે કંઈ મહારાજને જુવાન થઈ આવવાનું કહ્યું હતું?
લીલાવતી : મારી અને મહારાજની ખાનગી વાત તને કહેવાનો મારો વિચાર નથી. તારા વરને છ માસમાં એંસી વર્ષનો ઘરડો બનાવી દેવાનું પેલા વૈદ્યરાજને મહારાજ પાસે કહેવડાવીશું, એટલે તારા મનના બધા ખુલાસા થઈ જશે.
અંક ચોથો
૭૭