પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એમ જાલકા કહેતી હતી. કોઈ ઠેકાણે એ ખૂમચા વેચાતા હતા, ત્યાંથી મહેલમાં મૂકવા સારું એ લઈ આવી. જાલકા કહી ગઈ છે કે મહારાજ પધારશે ત્યારે એ ખૂમચામાં મૂકવા ફૂલ આપી જઈશ અને પલંગ પર પાથરવા ફૂલની ચાદર આપી જઈશ.
શીતલસિંહ : (હળવેથી) આપના સુખ માટે જાલકાએ કેટલી તજવીજ કરી છે !
રાઈ : (હળવેથી) વૈભવના અને યુદ્ધના દર્શનથી મને પ્રોત્સાહિત કરવાની અને ઠેઠ સુધી મારા ઉપર દેખરેખ રાખવાની જાલકાની એ તજવીજ છે. પણ રાણીને એકાએક શું થયું ?

[મંજરીને ખભે માથું નાખીને લીલાવતી નિસાસો નાંખે છે.]

મંજરી : આપની પ્રકૃતિ કંઈ બગડી આવી?
લીલાવતી : મંજરી ! આ ખૂમચા પરના જૂના વૃત્તાંત જોઈ મને એથી પણ જૂના વૃત્તાંતનું સ્મરણ થાય છે, અને ભયભરેલી શંકાઓ થાય છે. મહારાજનું કુટુંબ મૂળ દેશમાં હતું. ત્યાં મહારાજના પિતાનો પુત્ર નહોતો. તેથી પહેલી રાણીના મરણ પછી તેઓ બીજી યુવાન રાણી પરણેલા, અને બે-ત્રણ વર્ષમાં એ રાણીને પુત્ર ના થયો ત્યારે ત્રીજી રાણી પરણેલા. ત્રીજી રાણીને પેટે મહારાજ અવતર્યાં. પછી તેમના પિતાએ બીજી રાણીને કેવળ વિસારી મૂકેલાં ને અંતે ઝૂરી ઝૂરીને મારી ગયેલાં. એ બીજી રાણી જેવી મારી દશા થશે તો હું શું કરીશ ? મહારાજનું યૌવન જ મને શાપરૂપ નહિ થઈ પડે? આ બધો શણગાર મારો ઉપહાસ કરનારો નહિ નીવડે?
મંજરી : છેક છૂટી મૂકી દીધેલી કલ્પના આખરે ખોટા તરંગ સાથે અથડાઈ પડી ! બા સાહેબ, સ્વસ્થા થાઓ. મહારાજનો આપના ઉપર અપાર પ્રેમ છે.
૮૦
રાઈનો પર્વત