પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ગૂંચવણ ઉત્પન્ન કરે છે ? ના ! ના ! સૌન્દર્યને અને આ ગૂંચવણને શો સંબંધ છે ? મારે પર્વતરાય થવું પડે ત્યારે પર્વતરાયની રાણી લીલાવતીનું શું કરવું એ જ પ્રશ્ન છે. લીલાવતી સુન્દર હોય કે ન હોય પણ એ પ્રશ્ન તો એનો એ જ છે. શું હું એટલો દુર્બલ છું કે એ સૌન્દર્ય તરફના આદરને લીધે મારા નિર્ણય લઈ શકતો નથી ? એમ હોય કેમ ! સૌન્દર્ય તરફનો આદર એ તો ઉદાર વૃત્તિ છે. એ અધમ વૃત્તિ નથી, પણ વૃત્તિઓનું પૃથ્થકરણ અત્યારે શું કામ આવે એવું છે? (અટકીને) હું કેવો મૂર્ખ ! મને સૂઝયું જ નહિ કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ થવું પડશે ! જાલકા મને ‘શાહી અને કાગળનો પંડિત’ કહે છે તે ખોટું છે? જાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતાં રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો જ, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન ખુલ્લું હતું તેનો મને ખ્યાલ પણ ન આવ્યો એવી મારી પંડિતતા! લાવ, મારી ભૂલના ચિહ્નનો કાપો કાગળ ઉપર નાખતી કોતરી નાખું કે હૃદયનો કાપો ચિત્ર રૂપે મારી આંખ આગળ ધરી શકાય. (ગજવામાંનો કાગળ કાઢે છે. કાગળ ઉઘાડી) આ શું ? મારા લખાણ નીચે જાલકાના અક્ષર ક્યાંથી? એણે શું લખ્યું છે? (વાંચે છે)

“‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;”

શું હું માત્ર બાજીનું સોકઠું ? મારું નરત્વ નહિ, મારું વીરત્વ નહિ, ને જાલકા પોતાના પાસા નાખે તેં મને ફેરવે ! જાલકા પોતાને પણ સોકઠું કહે છે એ એની ચતુરાઈ છે, અને એને સોકઠું થવું હોય તો ભલે થાય, હું નહિ થાઉં. બીજી લીટી શી છે? (વાંચે છે.)
૮૬
રાઈનો પર્વત